Ayunature Care Clinic

ઘરમાં થતાં ઝઘડા-કંકાસની અસર બાળકો પર થાય?

‘આ શું બનાવ્યું છે ?’

‘ઓહ….મમ્મી….. આ કઢી તો બહુ ખરાબ છે.’ દીકરો મોટેથી બરાડી ઊઠયો.

‘સોરી… આઈ એમ. સોરી… બેટા….’ મમ્મીએ દિલગીરીપૂર્વક કહ્યું.

‘ના….. મારે નથી ખાવું.’ બાળકે તોફન શરૂ કર્યું.

‘બેટા… પ્લીઝ… આજે હું…. !’ આટલું બોલતાં તો મમ્મીની આંખો ભીની થઈ ગઈ.

મમ્મી આજે ખૂબ થાકી ગઈ હતી. આજે સવારથી જ તબિયત પણ સારી નહોતી. નોકરી પરથી ઘરે આવતાં ખૂબ મોડું થઈ ગયું હતું. તેમ છતાં ઝડપથી હાથ-પગ ધોઈ રસોઈ બનાવવા મંડી પડી હતી. પપ્પા પણ આજે ઘરે મોડા આવ્યા હતા.

દીકરાને ખૂબ ભૂખ લાગી હતી. પપ્પા સાથે જમવા બેઠો હતો. મમ્મીએ બંનેને થાળી પીરસી હતી અને ગરમ -ગરમ રોટલી બનાવીને બંનેને જમાડતી હતી અને દીકરો મોટેથી બરાડી ઊઠયો, ‘કઢી બહુ ખરાબ છે મારાથી ખવાશે નહિ.’

પપ્પાએ બાળક તરફ્ જોયું ને શાંતિથી કહ્યું, ‘જો, બેટા બૂમો પાડવાની જરૂર નથી. હું પણ કઢી ખાઈ રહ્યો છું. જો તને કંઈક ઓછું વત્તું જણાય તો તેમાં મીઠું-મરચું-લીંબુ નાખીને તને ભાવે તેવી બનાવી લે.’

પપ્પાના કહેવાની બાળક પર અસર થઈ. તેણે શાંતિપૂર્વક કઢી ખાઈ લીધી. હવે પત્ની જમવા બેઠી તેને ખબર પડી કે કઢીમાં મીઠું કે મરચું નાંખવાનું પોતે ખરેખર ભૂલી જ ગયેલી. તેણીએ પતિને પૂછયું કે, ‘ખરેખર કઢી સ્વાદહીન છે. તો તમે કેમ કંઈ ન બોલ્યાં ?’ ત્યારે પતિએ કહ્યું કે, ‘દીકરો મોટો થશે ત્યારે તેને કઢીના સ્વાદ વિશે કંઈ યાદ નહીં હોય, પરંતુ તેને મારા શબ્દો અને વર્તન હંમેશાં યાદ રહેશે.’

બાળકની સૌથી મોટી ટેકસબુક મા-બાપનું તેની સામેનું વર્તન છે. પોતાના કુટુંબ પાસેથી બાળક જેટલું અને જેવું શીખે છે તેવું બીજે કયાંયથી શીખતું નથી!

વિનય અને સંસ્કારનું શિક્ષણ તેને પોતાના ઘરમાંથી જ મળે છે. જે ઘરમાં અસંસ્કારીતા અને કલુષિત વાતાવરણ હોય ત્યાં ઘડતરના મોટા પ્રશ્નો સર્જાતા હોય છે. મોટે ભાગે મા-બાપ પોતાનું આદર્શ વર્તન બાળકો સમક્ષ મૂકવામાં સદંતર નિષ્ફ્ળ જતા હોય છે. મા-બાપ માટે, નાની લાગતી વાત કે ઘટના બાળક માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. બાળપણમાં બનેલી કોઈપણ ઘટનાની સારી-નરસી અસર મન ઉપર આજીવન રહે છે. બાળકના નિર્દોષ અને નિર્મળ મનમાં સારી ઘટનાઓ, સારા બનાવો અને તેના વ્યકિતત્વને પોષક બને તેવાં ઉદાહરણો પૂરા પાડવાની પેરેન્ટ્સની મોટી જવાબદારી છે. બાળકને એવા પ્રસંગોમાં કયારેય ન મૂકવું કે જેમાં તેને ખોટું બોલવાથી ફયદો થતો હોય ! સાચંુ બોલવાથી તત્પૂરતંુ નુકસાન થશે, પરંતુ લાંબેગાળે ફયદો છે તે વાત બાળકને સમજાવવામાં મોટે ભાગે પેરેન્ટ્સ નિષ્ફ્ળ જતા હોય છે. પરિણામે બાળકને નાનપણથી જ ખોટું બોલવાની આદત પડી જાય છે. ખોટું બોલવું ને સુ-ઘડતરને બારમો રાહુ છે.

આ ઘટના માત્ર કઢી પૂરતી મર્યાદિત ન રહેતા બાળકના ઘડતરમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. દરેક વખતે રસોઈ સારી જ બને એવું નથી. રસોઈ છે કયારેક બગડે પણ ખરી, તેમાં મોં બગાડવાને બદલે મીઠું-મરચંુ-લીંબુ ઉમેરીને પોતાને ગમતો ટેસ્ટ મેળવી શકાય છે. જો પપ્પાએ તેના દીકરા જેવું વર્તન કર્યું હોત તો તેની પત્ની તો દુઃખી થાત જ, પરંતુ તેનો દીકરો આવું વર્તન કાયમ માટે શીખી જાત.

ઘર બને છે ગૃહિણી થકી. તેના ગમા-અણગમા અને ટેન્શનનો વિચાર કરી તેની કાળજી લેવાની દરેક સંસ્કારી કુટુંબના સભ્યોની ફ્રજ બને છે.

ઘરમાં બનતી દરેક ઘટના અને પ્રસંગની બાળકનાં મન ઉપર શી અસર પડશે? તેની મા-બાપે આગોત્તરી કાળજી રાખવી પડે. બાળકને એક વ્યકિત તરીકે સ્વીકારવાથી અને તેના ગમા-અણગમાને ધ્યાને લેવાથી કેટલીક રુચિકર બાબતોને નીવારી શકાય છે. બાળક ભલે નાનું છે પણ તેનું સન્માન પુખ્ત છે આ બાબતનું ધ્યાન રાખવાથી બાળકના ઘડતરમાં ધાર્યો ઘાટ આપી શકાય છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *