ચાર રસાયણ અને આપણું જીવન

ક્યાં છે આ ચાર રસાયણ જે આપણા જીવનને મધુર કે મલિન બનાવી શકે છે. શરીર વિવિધ રસાયણોથી બનેલું છે પરંતુ અમુક રસાયણો જે મગજ કે મનને અસર કરે છે એના વિશે થોડું સમજીએ.

૧. ડોપામાઇન
૨. એન્ડોરફીન
૩. સરટોનિન
૪. ઓક્સીટોસીન

શરીર ને દરરોજ શારીરિક ક્રિયાઓથી ઘસારો લાગે છે. શરીરને સ્વસ્થ રાખવા આપણે રોજબરોજ કસરત કરીયે છીએ. કસરત એ શ્રમ છે આથી શરીર ને થાક લાગે છે દુખાવો થાય છે, આને દૂર કરવા આપણું શરીર એન્ડોરફીન નામનું રસાયણ મગજમાંથી ઝારે છે જેથી શરીરને થાક કે દુખાવાને બદલે આનંદની અનુભૂતિ થાય છે.. એટલે જ નિયમિત કસરત કરતા લોકો એન્ડોરફીનની મજા લેવા નિયમિત કસરત કરવાનું ચૂકતા નથી અને આંનદ ગુમાવવા માગતા નથી. આ આનંદ ક્ષણીક હોય છે કે થોડા કલાકો સુધી જ રહે છે. પણ મનને એ ગમે છે.

જીવનમાં સુખી સંપન્ન થવા માટેની દોડમાં આપણે ઈચ્છીત વસ્તુ મેળવીએ એટલે પણ મનને ટાઢક થાય છે આનંદ આવે છે. જીવન જરૂરિયાત ની કે ભૌતિક આંનદ માટે ની વસ્તુ મળતા માનવી ખૂબ ખુશ થાય છે એને મજા આવે છે. ખરેખર આ સમયે ડોપમાઇન મગજમાં ઝરવાની શરૂઆત થાય છે.. વર્ષોથી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય કે ટૂંક સમયમાં કોઈ ભૌતિક આનંદ મળે તો એ બીજું કાંઈ નહીં પણ ડોપામાઇન જ જવાબદાર છે... હા પણ આ અવસ્થા પણ ક્ષણિક જ રહે છે કે થોડા દિવસો સુધી. સારા કપડાં, સુંદર મકાન, નવી કાર, ફોન અને ઘણું આ બધું મળતા જે આનંદ મળે છે એટલે ખરેખર ડોપામાઇન નું પ્રમાણ વધવુ.

તો બીજા બે રસાયણો કયા છે..? માનવ જીવનમાં આ ચાર રસાયણો જ સંપૂર્ણ સુખ શાંતિ કે આનંદમય જીવન નક્કી કરે છે. સરટોનિન અને ઓક્સીટોસીન ને કેવી રીતે પેદા કરવા...જો આ બે રસાયણ કૈક જુદા પ્રકારના છે એના પેદા કરવા થોડી મહેનત અને સ્વભાવ મહત્વનો ફાળો ભજવે છે...

સરટોનિન ત્યારે જ પેદા થાય છે જ્યારે આપણે બીજાને લાભ થાય એવું કોઈ કાર્ય કરીયે.. આપણો ખુદનો સ્વાર્થ છોડી બીજાને મદદરૂપ થવાની ક્રિયા કરીયે ત્યારે આપોઆપ મગજમાં સરટોનિન નું પ્રમાણ વધવાની શરૂઆત થાય છે... કોઈ ગરીબને મદદ કરવી, રસ્તામાં કોઈ અજાણ્યાને મદદ કરવી, સગાંવહાલાં ને કામ આવવું. પોતાનો વિચાર કર્યા વગર, સ્વાર્થમુક્ત બની અન્યને ફાયદો થાય એવું કામ કરીએ એટલે આપોઆપ એક આનંદ થાય છે જે બીજું કાંઈ નહીં પણ સરટોનિનની અસર છે, આ આદત કેળવવી પડે છે..

વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે એવો ભાવ જો મનમાં હોય તો સરટોનિનની કમી વર્તાય નહીં. બસમાંથી ઉતરતી વખતે કોઈને સામાન ઊંચકવામાં મદદ કરી, ઝાડને પાણી પાયું, લિફ્ટમાં જતી વખતે કોઈની રાહ જોઇને એમને પણ સાથે લીધા, બાળકોને હસાવ્યા- વાર્તા કરી-રમ્યા, પ્રાણીને ખવડાવ્યું, પરિચિત વ્યક્તિઓ કરતા પણ અપરિચિત વ્યક્તિને મદદરૂપ થવું એ પણ નિસ્વાર્થભાવે એ જ ખરો આંનદ છે, દાન પુણ્ય કરવું પણ પુણ્ય કમાવા માટે નહીં, બીજાને ઉપકારીત કરવા નહીં, દેખાડો કરવા નહીં ફક્ત નિજાનંદ માટે એ મહત્વનું છે.

સરટોનિન જો સડસડાટ વહે તો ઝિંદગી ના ખળખળતા ઝરણાં ગુંજી ઉઠે અને એની ભીનાશ આજુબાજુના સૌ કોઈને આંનદ આપે. કોઈની ખબર પૂછવી, અમસ્તો જ ફોન કરવો, એકાદ પત્ર કે લેખ લખવો, અગણિત એવા કામ છે જે બીજાના માટે કરી શકાય અને આંનદ આપણને મળે. આ નાનો લેખ લખતી વખતે મને ખરેખર આંનદ થાય છે કે બીજાને ગમશે ફાયદો થશે જીવન ઉપયોગી થશે એ જરૂર મારા અંદર મગજમાં રસાયણો પ્રભાવી ચોક્કસ બનાવશે..

હું મારો સમય બીજાના માટે આ લેખ લખી આપી રહ્યો છું એ પણ નિસ્વાર્થ ભાવે એનો આનંદ તો વ્યક્તિ પોતે જ સમજી શકે. હવે સમજાય છે ને કે બિલ ગેટ્સ, વોરેન બફેટ, નારાયણમૂર્તિ, રતન ટાટા, ઝુકરબર્ગ , ડાયમન્ડ કિંગ ધોળકિયા, અન્ય ઘણા નામી બેનામી લોકો અઢળક સંપત્તિ મેળવ્યા પછી કેમ ચેરિટી તરફ વળી ગયા. ફક્ત ને ફક્ત જીવનની ખુશી આંનદ અને મનની શાંતિ અને પોતાની જાતને સંતોષ આપવા.. જરૂરી નથી કે સંપત્તિ હોય તો જ દાન કરવાથી શાંતિ મળે, ફક્ત બીજાના માટે સારા વિચાર કરીને, સારું ઇચ્છી ને પણ મનને આંનદ મળે છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં...

છેલ્લું રસાયણ છે ઓક્સીટોસીન.. આને પણ આપણે આપણી વિવિધ પ્રવૃત્તિથી જ પેદા કરીયે છીએ..જ્યારે આપણે કોઈ વ્યક્તિની ખૂબ જ નજીક આવીએ છીએ, સહવાસ કેળવીએ છીએ, મિત્રતા વિકસાવીએ છીએ, સાંમાજિક બનીએ છીએ, સમાજના તમામ લોકોને મહત્વ આપીએ છીયે ત્યારે એક સારો ભાવ પેદા થાય છે, કોઈને ભેટવાથી, હસ્તધૂંનન કરવાથી, વ્હાલ કરવાથી, માથે હાથ ફેરવવાથી, પીઠ થાબડવાથી કે સહાનુભૂતિ નો સ્પર્શ આપવાથી અઢળક માત્રામાં આપણા મગજમાં ઓક્સીટોસીન પેદા થાય છે અને આપણને ખૂબ સારું અનુભવાય છે. મગજમાં કેમિકલ ઇમબેલેન્સ એવો શબ્દ ડોકટરો વાપરતા હોય છે, કેમિકલ લોચા વગેરે જેવી વસ્તુ ઓ દૂર કરવા ફક્ત આ ઉપર જણાવેલી ક્રિયાઓ કરવાથી જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી ખરેખર તો મુશ્કેલી આવે તો આપણે એને સહજતાથી સમજી અને ઉપાય શોધી શકીએ છીએ.

જીવનનો હેતુ ખુશ રેહવું અને બીજાને ખુશ રાખવાનો હોય છે, આજે પરિસ્થિતિ વિપરીત છે, એકબીજા માટે દ્વેષભાવ, ઈર્ષ્યા, કડવા વેણ, મદદરૂપ ન થવું, પીઠ પાછળ બોલવું, કંજુસાઈ કરવી, કોઈના માટે સમય ન આપવો, સહાનુભુતિ ન દર્શાવવી, વગેરે મોટા ભાગની શાંતિ છીનવી જાય છે.

ખોરાક પણ આવા કેમિકલ્સ ને માટે ઉદીપકનું કામ કરે છે એટલે જ તો કહેવાય છે જેવું અન્ન તેવું મન. જાતે બનાવેલો ખોરાક તેમાં એક ભાવ રેડે છે સ્વાદ વધારે છે વિચારો સારા કરે છે...માણસ ખુશ રહે છે...

આજે થોડું લખવાનો સમય મળ્યો અને કંઈક સારું લખી શક્યો એનાથી હું તો ખુશ થયો જ છું, જો આ વાંચી તમને પણ સારો ભાવ આંનદ થયો હોય તો એક નાનકડો પ્રતિભાવ આપી લાગણી જરૂરથી વ્યક્ત કરશો એવી આશા સાથે...

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया,
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुख भागभवेत।
ऊँ शांतिः शांतिः शांतिः

“સાંધા નો દુઃખાવો” મટી શકેછે.

આયુર્વેદ નું અમૃત.... 

“સાંધા નો દુઃખાવો”  મટી શકેછે.

આ માન્યતા ખોટી છે કે....  સાંધા નો દુઃખાવો કાયમી મટતો નથી. એ ચોક્કસ છે કે વૃદ્ધાવસ્થા માં સહજ રીતે વાયુ નો પ્રકોપ થાય તેથી ધડપણ માં “વા “ ના રોગો મટાડવા મુશ્કેલ છે. તથા આજની ખાણી- પીણી  ને રહેણી- કરણી એવી છે કે, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા થી જ આમદોષ, સ્થૂળતા, હાઈ કોલેસ્ટેરોલ ને હૃદયરોગો, મધુમેહ જ્યાં જોવા મળેછે ત્યાં સાંધાનો દુઃખાવો ઝડપ થી મટાડવો મુશ્કેલ બનેછે. 

હાડકા માં ને સાંધા માં વાયુ નું સ્થાન છે, વાયુ આખા શરીર માં ફરતો રહેલો છે, અને ફરવું તે વાયુ નું કર્મ છે.  “વા ગતિ ગંધનયો: વાયુ:” . પરંતુ જયારે વાયુ ની ફરવા ની ગતિ માં અવરોધ આવે, સાંધાઓ માં આમદોષ, કાચોરસ જમા થઇ જાય ત્યારે વાયુ ની ફરવાની ગતિ રોકાઈ  જાયછે અને સાંધા માં સોજા ને દુઃખાવો થાયછે.   “ન વાતેન  વિના શૂલમ”.  વાયુ વિના દુઃખાવો થાય નહિ. 

આજે જેમ મોટા ભાગના છાતી ની બળતરા ને એસીડીટી ની ફરિયાદ સાથે આવતા દર્દીઓ ને ખરેખર એસીડીટી નહિ પરંતુ અપચો હોયછે. તેવા દર્દી ને આદુ, હરડે, સુંઠ, મરી આપવાથી એસીડીટી મટી જાયછે .. તેવી જ રીતે  સાંધા નો દુઃખાવો એટલે સંધિવાત ને  “વા”  સમજી ને થતી સારવાર પણ ખોટી સારવાર બનેછે .... કારણકે તેવા મોટા ભાગ ના દર્દી ને સાંધા માં આમદોષ હોયછે. અને આમદોષ થી ત્યાં આમવાત  નામનો રોગ થાય છે. 

આવા, આમવાત ના દર્દી ને માલીશ કે દિવસ ની ઊંઘ,  ભરપેટ ભોજન કે આળસ થી રોગ વધે છે. તેમને સવારે સાંધા માં દુઃખાવો વધે છે ને સોજા થાય છે. તાવ, આળસ, અપચો, તરસ વધુ લાગે, ને દર્દ વધી જાય ત્યારે બધાજ સાંધા માં વીંછી ડંખ મારે તેવી વેદના પણ થાયછે.  ત્યારે તેવા દર્દી ને માટે... ઉપવાસ, સુંઠ થી ઉકાળેલું પાણી પીવું અને તે પણ જરૂર લાગે ત્યારે જ. વધુ ને વારંવાર પાણી પીવાથી પાણી પણ પચે નહિ ત્યારે તે પાણી માં થી પણ આમ થાય છે,, તો પછી ખવાતી વધુ પડતી દવાઓ ને વિશેષ કરી ને દુખાવા ની એલોપેથીક દવાઓ થી દદૅ દૂર નહિ થવા ઉપરાંત  કીડની ફીલ્યોર  થાય .

સુંઠ થી ઉકાળેલું પાણી જરૂર લાગે ત્યારે પીવું. * સુંઠ ના ઉકાળા માં દીવેલ પીવું.  લસણ વાળી મગ ની દાળ પીવી. *  નગોડ, સુંઠ ને લસણ નો ઉકાળો પીવો. *  સુંઠ ને હરડે સરખા ભાગે લેવી. અને આમ નું પાચન કરી ને દર્દ દૂર કરે તેવા ઔષધો નો આયુર્વેદ નો ખજાનો વૈદ્ય પાસે થી લેવો. 

હા... કોઈક દર્દી ને આમ નું પાચન થયેલ હોય ને નબળાઈ થી  કે વધુ કામ કરવાથી સાંધા નો દુઃખાવો થયેલ હોય તે સંધિવાત છે. જેમાં સાંધા માં અવાજ આવે, દુઃખાવો સાંજે વિશેષ થાય, નબળાઈ ને થાક હોય ત્યારે... તે રોગ માત્ર વાયુ નો છે તેમ સમજવું. તેમાં માલીશ અને શક્તિ આપનારા ઔષધો.. દૂધ, અશ્વગંધા, ગંઠોડા ઉપયોગી છે. સંધિવાત માં માલીશ શ્રેષ્ઠ છે જયારે આમવાત માં રેતી, મેથી કે અજમા  ની પોટલી નો સૂકો શેક ઉત્તમ છે. આમવાત માં માલીશ કરાય નહિ. 

** બસ્તી કર્મ:- તમામ રોગો માં વાયુ બળવાન અને વાયુ ને નાથવામાં બસ્તી બળવાન. તેથી માત્ર બસ્તી એક માત્ર ચિકિત્સા પદ્ધતિ છે કે જેનાથી ના માત્ર સાંધા ના બલકે સંપૂર્ણ શરીર ના, વાયુ ના બધાજ રોગો મટે છે.  પરંતુ આ બસ્તી એટલે સાદું પાણી કે સાબુ નું પાણી નો એનીમા ને આયુર્વેદ ની આ વૈદ્ય દ્વારા અપાતી બસ્તી માં જમીન- આસમાન જેટલો તફાવત છે. 

અમે વૈદ્યો બસ્તીકર્મ માં... ઓછું ખાવાનું {૩ થી ૫ દિવસ નું દીપન- પાચન કર્મ} કરાવી, ઔષધ યુક્ત ઘી થી સંપૂર્ણ શરીર સ્નેહિત કરી, માત્ર ઝાડા નહિ પરંતુ શાસ્ત્રીય પદ્ધતિ થી વિરેચન  કરાવી, પછી ધીરે ધીરે ખોરાક પર જવાનું- સંસર્જન કર્મ કરાવી ને બસ્તી કર્મ કરીએ છીએ. ...

પછી બસ્તી કર્મ માં દરેક વખતે સંપૂર્ણ શરીર પર માલીશ કરી, ઔષધ ની વરાળ નો શેક આપી, ભોજન કરાવી ઔષધ યુક્ત તેલ, ઘી, દૂધ કે અન્ય જરૂરી પુષ્ટીદાયક દ્રવ્યો ની બસ્તી આપીએ જે ૩ થી ૧૨ કલાક શરીર માં ટકી રહે. આ અમારી અનુવાસન બસ્તી થઇ.

તેવી જ રીતે માલીશ, શેક બાદ ઔષધ ના ઉકાળા માં કલ્ક દ્રવ્યો, સિંધવ, મધ ને ઔષધ યુક્ત તેલ કે જરૂરી સ્નિગ્ધ દ્રવ્યો ઉમેરી ને બસ્તી આપીએ જે લીધા બાદ તરતજ સંડાશ જવું પડે ત્યારબાદ તરત ભોજન કરવું.  ... આ અમારી નીરૂહ બસ્તી. .. આવી બસ્તી નો વિધિવત પંચકર્મ વૈદ્ય પાસે કોર્સ કરવાથી  “વા”  ના રોગો મટે જ, મટે.  માટે જ બસ્તી ને “અર્ધી ચિકિત્સા” કહી છે.

ગરમીમાં ઠંડા પીણા નહી, પીવો આ ૧૦ "દેશી પીણા". તે બનાવવા છે ખુબ સરળ અને છે પણ હેલ્ધી.

ગરમીમાં ડિહાઈડ્રેશન થી બચવા માટે ઠંડા પીણાં કે સોડા પીવાના બદલે કુદરતી વસ્તુઓથી બનેલા પીણાં પીવાની ડોક્ટર્સ પણ સલાહ આપે છે. જેમાં નાખેલા અલગ અલગ મસાલાથી સ્વાદ વધે છે, વળી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અમે તમને જણાવી રહ્યાં છીએ એવા 10 દેશી પીણાં બાબતે.

- કેરીનો બાફલો – કાચી કેરીનો બાફલો ગરમીમાં લૂ થી બચવા માટે ઉત્તમ વિકલ્પ છે. એમાં વિટામિન સી નું પ્રમાણ વધારે હોય છે જેના કારણે આપને તરત એનર્જી મળે છે.

કેવી રીતે બનાવશો- કાચી કેરીને છોલીને ઉકાળી લો. એમાં સંચળ, ફૂદીનો, ખાંડ નાખીને મિકસરમાં નાખીને મિક્સ કરીદો. આને ગ્લાસમાં કાઢો અને પછી પીરસો.

– શિક્ંજી – ઉનાળામાં શિક્ંજી પીવાથી તમને તરત જ એનર્જી મળે છે. શિક્ંજી આ સિઝનમાં થવાવાળી ડલનેસને દૂર કરે છે. આને બનાવીને થોડા દિવસો સુધી ફ્રીઝમાં મૂકી શકાય છે.

કેવી રીતે બનાવશો – એક જગમાં પાણી લો. એમાં લીંબુનો રસ, જીરા પાવડર, સંચળ અને ખાંડ ભેળવી દો. હવે શિક્ંજીને ગરણીથી ગાળીને ગ્લાસમાં નાખો અને બરફના ટુકડા નાખી પીરસો.

– મેંગો મિંટ લસ્સી – કેરી અને ફુદીનાથી બનેલી લસ્સી ઉનાળામાં તમને ફ્રેશ રાખશે. આ શક્તિવર્ધક પીણાને બનાવી તરત પીરસો.

કેવી રીતે બનાવશો – કેરી, ખાંડ, ફૂદીનો, ઇલાયચી પાવડર, લીંબુનો રસ અને દહીંને મેળવી મિકસરમાં નાખીને મિક્સ કરી દો. કેરી નરમ થવાથી તેને ગ્લાસમાં કાઢો અને પીરસો.

– ફુદીનાનું શરબત- ફુદીનાનું શરબત ઉનાળામાં ડિહાઈડ્રેશન અને લૂ થી બચાવે છે. આ પાચન પ્રક્રિયા સારી કરે છે.

કેવી રીતે બનાવશો – મિકસરમાં ફૂદીનો, ખાંડ અથવા ગોળ, મધ, સંચળ કાળામરી અને જીરા પાવડર મેળવીને દળી લો. આ પેસ્ટની ઓછી માત્રાને પાણી સાથે મેળવી ગ્લાસમાં નાખો અને બરફ મેળવી પીરસો.

– છાશ- આને પીવાથી પેટની બળતરા અને એસિડિટી દૂર થાય છે. છાશ પીવાથી વજન ઓછું થાય છે અને પાચન પ્રક્રિયા સારી રહે છે.

કેવી રીતે બનાવશો – દહીંમાં મીઠું,સંચળ,જીરા પાવડર અને હિંગ મેળવી મિકસરમાં મિક્સ કરી દો. આમાં બરફ મેળવી ગ્લાસમાં નાખી પીરસો.

– ગુલાબનું શરબત – આ શરબત પીવાથી પેટની બળતરા દૂર થાય છે.આ શરીરને ઠંડુ રાખે છે.

કેવી રીતે બનાવશો- એક કડાઈમાં પાણી અને ખાંડ નાખીને ચાસણી બનાવી લો. એમાં ગુલાબજળ, ઇલાયચી પાવડર અને તાઝા ગુલાબની પાંદડીઓની પેસ્ટ નાખો. આને ગાળીને ફ્રીઝમાં મૂકી દો. પીરસતી વખતે આ શરબતને પાણી સાથે મેળવીને પીરસો.

– જલજીરા- આને પીવાથી એસિડિટી અને ડિહાઈડ્રેશન દૂર થાય છે.જલજીરા ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટેનો શ્રેષ્ટ વિકલ્પ છે.

કેવી રીતે બનાવશો – પાણીમાં જીરા પાવડર, સંચળ, આમચૂર પાવડર, લીંબુનો રસ, થોડી ખાંડ અને ફુદીનાના પાંદડાની પેસ્ટ બનાવી લો. આમાં બરફના ટુકડા નાખીને પીરસો.

– એલોવેરા જ્યુસ- આ જ્યુસ ઉનાળામાં ચામડીને સૂકી થતી રોકવામાં મદદરૂપ થાય છે. આ પાચન પ્રક્રિયાને સુધરે છે. આને પીવાથી તરત જ એનર્જી મળે છે. અને ગરમીમાં પણ ત્વચાની ચમક જળવાઈ રહે છે.

કેવી રીતે બનાવશો – એલોવેરાની કાંટાળી કિનારી કાઢી નાખો. આના પાંદડાની વચ્ચે રહેલો ગર્ભ નિકાળી દો. આને મિકસરમાં નાખીને લીંબુ અથવા નારંગીનો જ્યુસ અને મીઠું મેળવી દળી લો. અને બરફના ટુકડા નાખીને પીરસો.

- બિલાનું શરબત- ઉનાળામાં આને અમૃત સમાન માનવામાં આવે છે. આ ઝાડાને મટાડવા માટે મદદરૂપ છે. પાચન પ્રક્રિયા સારી રાખે છે અને લૂ થી બચાવે છે.

કેવી રીતે બનાવશો- બિલાના ગર્ભને કાઢીને સારી રીતે મસળી નાખો.આમાં ખાંડ,સંચળ,જીરા પાવડર અને ચાટ મસાલો મેળવી મિકસરમાં મિક્સ કરો.આમાં બરફ નાખી પીરસો.

- આંબલીનું શરબત-ગરમીથી બચવા આ રાજસ્થાની પીણાને પીઓ.લૂ થી રાહત મેળવવાનો આ અસરકારક ઉપાય છે.

કેવી રીતે બનાવશો- આંબલી અને પાણી મેળવીને બે કલાક માટે મૂકી દો. મિશ્રણને ગાળીને એમાં ખાંડ, કાળા મરીનો પાવડર, ઇલાયચી પાવડર, સંચળ, મીઠું, બરફ અને પાણી નાખી સારી રીતે મિક્સ કરો. આને ગ્લાસમાં નાખો અને પીરસો.

એક ટીપું ઓઈલ પેન માં નાખી કુક કરવાની ફેશન...

જેમ એક ચુટકી સિંદુર ની કીમત રમેશબાબુ ને નતી ખબર એમ એક ટીપું ઓઈલ ની કીમત આજની રસોડા ની કરીનાઓ ને નથી ખબર... આજકાલ બસ એક ટીપું ઓઈલ નાખી વાનગી બનાવવી એ એક ફેશન થઇ ગઈ છે ; પાતળી પરમાર બનવાની હોડો જામી છે, ટ્રેક પર દોડી પ્રસ્વેદ બિંદુઓ થી નીતરતી લલનાઓ ખુશ્બુ ગુજરાતણ કી ફેલાવી ને...જીમો(જીમ નું બહુવચન) ને તરબતર મદ મસ્ત રાખે છે...
પણ કદર દાન મહેરબાન શું સાચે તમે ઓબેઝ છો??શું આ ઊછળ કુદ ને ડાયેટો જરૂરી છે??ડીયર આંટીઝ ઇતના દૌડકે ક્યાં દિલ્હી જાઓગી??? સુન તો લો...
આયુર્વેદ માં કહ્યું છે કે ચાલતી કે દૌડતી વખતે “ચલ સ્ફિક ઉદર સ્તન” અર્થાત નિતંબ,ફાંદઅને ઉરોજ વગેરે ઉપાંગો ચાલતી કે દૌડતી વખતે હલતા હલતા હોય તો તમે મેદોરોગ ના રોગી છો, જો નહિ તો બોસ મૂકી તો આ જીમ ને ડાયેટ ખાખરા.. તમે આના માટે બન્યા જ નથી...આ શરીર નો શુદ્ધ મેદ છે તમારું બેંક બેલેન્સ છે. અમુક અંગો ઉપાંગો માં મેદ જરૂરી છે, પહેલા વજન દાર મહિલાઓ શેઠાણી માં ખપતી, ને સુડોળ ભરેલી શીંગ જેવા શરીરો સૌન્દર્ય માં ખપતા.સમજ્યું શું ને કર્યું શું? આંખ નું કાજળ ગાલે ઘસ્યું એવો ઘાટ ઝીરો ફિગર નો કર્યો છે.પોષણ નું કામ સ્તન ની ચરબી ને ગર્ભાશય ના રક્ષણ નું કામ ઉદરસ્થ ચરબી આંશિક રીતે કરે છે. હા અહી એક બીજી વાત સમજવા જેવી છે કે ઘણી બહેનો ને માત્ર હાથ ના બાવડાં વધવા, માત્ર પેડુ નો ભાગ ફૂલી જવો કે માત્ર નિતંબ નો ભાગ વધવો વગેરે જોવા મળે છે. સ્ત્રીઓ માં માસિક દરમિયાન ખાવા પીવા ના ધ્યાન ન રાખવાથી પેડુ વગેરે માં ચરબી ભરાઈ આ ભાગો ફૂલી જાય છે, માસિક વખતે ન પચે એવા ભારે કે દૂધ ના ખોરાક લેવાથી પચતા નથી અને તેનું ચરબી માં રૂપાંતર થાય છે, આ વખતે શરીર માં લોહી માં ખાટો ભાગ વધી જતો હોવાથી આવા ખોરાક ન લેવા અને આરામ કરવો સારો.... 
પ્રસુતિ પછી પણ ગર્ભાશય શુદ્ધ થાય તેવા ઉકાળા ૩ મહિના લેવા, ૬ મહિના સુધી રોજ માલીશ શેક લેવા અને સુંઠ ની રાબ પીવા થી થાયરોઈડ જેવા રોગો કે મેદભરાતો નથી... વળી આવું જ પાલન માસિક બંધ થયા પછી મેનોપોઝ માં કરવાનું રહે છે તો ક્યારેય મેનોપોઝ પછી વજન વધતું નથી શરીર માં જેટલા પણ છિદ્રો છે ત્યાં બધે જ સ્નેહ-તેલ ધારણ કરવાનું કહ્યું છે.કેમકે શરીર માં બળ આપવું,ધારણ કરવું,ને શરીર ને ટકાવવું બધા કામ કરનારી ધાતુઓ સ્નેહ સમાન દ્રવ્યો થી જ બનેલી છે.સંદેશાઓ ની આપ લે કરતી નર્વસ સીસ્ટમ કે શરીર ના અંતઃસ્ત્રાવો કે પછી શરીર ના કોષ થી માંડી ને મોટા માં મોટા અંગો સુધી બધે જ સ્નેહ જ સ્નેહ છે... હાડકાં મગજ ની અંદર તો સાંધા ની બહાર ની કેપ્સુલ બધે જ સ્નેહ, જ્યાં સ્નેહ ઘટ્યો ત્યાં કકળાટ ચાલુ... એ દાંપત્યજીવન હોય,ધંધો હોય કે તમારો સાંધો હોય કટ કટ અવાજ ચાલુ.... ને આવા સ્નેહ યુક્ત શરીર ને જીવન માં એક ટીપું ઓઈલ ની વાનગીઓ થી શું થવાનું??? તેલ ઘી ના ખાવાથી કોરા પડી ગયેલા હદય ધમનીઓ માં પણ કાઠીન્ય આવી હાર્ટએટેક આવી શકે...જુના જમાના માં માંડવે ઘી પીવા સ્પર્ધા થતી, પેશીયલ ઘી પીનારા ભડવીરો ને જાને જોડાતા, લચ પચતા લાડુ ૫૦-૧૦૦ એક બેઠકે તમણ ની દાળ ના સબડકા સાથે પેટુડે પધરાવતા ભૂદેવો મોટી ફાંદ લઇ ૮૦-૧૦૦ વરસ એમ નેમ ખેંચી નાંખતા...બસ કોક ના રવાડે આ શિયાળે ના ચડશો, શરીર ની તાકાત વધે એવી કસરત કરો એવો સ્નેહ યુક્ત ખોરાક લો, એટલો જ સંભોગ કરો કે એ સ્નેહ પણ ટકી રહે...શરીર ને કામ કરવા કેટલી ગરમી જોઈએ એના માટે ઉષ્ણાંક નક્કી કરેલા છે, હિન્દુસ્તાન જેવા ગરમ દેશ માં ઊંઘ,હળવી કસરત,રોજિંદુ કામ નોકરી અને આરામ બધા ને ગણતા આશરે ૨૫૦૦ થી ૪૦૦૦ જેટલો રોજનો ઉષ્ણાંક બેસે છે, અને એ મુજબ ના ખોરાક માટે ૬૦ મિલી જેટલા રોજીંદા તેલ ઘી લેવાના થાય છે, તો જ શરીર નું સાચું સંગઠન થાય આમાં એક ટીપું ક્યાં ગ્યું?? પણ હવે તો પતિઓ ને પોલીઓ ના ટીપાં પીવડાવતી હોય એમ એક બે ટીપા માં વાનગીઓ વઘારતી ગૃહિણીઓ ક્યાંક હાર્ટએટેક,ઓસ્ટીઓઆર્થ્રારાઈટીસ,સોજા,નામર્દાઈ,ચામડી ના રોગો માટે તમે પારણું બાંધી રહ્યા છો એ ના ભૂલશો.વિટામીનો ઓગાળવા માટે અને શરીર નું જીવાણું સામે રક્ષણ કરવા આ સ્નેહ જ કટપ્પા બની કુદી પડે છે એને અવગણવો ભારે પડી શકે. જો વ્યન્ધ્યત્વ ના કારણો તપાસવા માં આવે તો ૮૦% માં જીવન અને શરીર બંન્ને માં સ્નેહ નો અભાવ જોવા મળશે.તો સ્નેહ માં ગાય નું ઘી/માખણ અને તલ નું તેલ બેસ્ટ...શરીરે ચોળો ખાવ પીવો બસ પચાવવાની તાકાત રાખો. બાકી મળતા બાજારુ તેલો જે કોલેસ્ટેરોલ કમ કરવા વપરાય છે તે બધા થી ચામડી ના રોગો અને આંખ ના રોગો થાય છે,અળસી ના તેલ હોય કે કસુંબી (Xફોલા) બધા પિત્ત વધારનારા સાબિત થાય છે. અમુક તેલ માં કરેલા મિશ્રણો થી જલોદર ને લકવા જેવા રોગો મહામારી ના રૂપ માં ફેલાયા હોવાનું જાણવા મળેલ છે. વળી એક પ્રયોગ માં ૨૭૦સે. પર ઉકાળેલા તેલ ઉંદર ને આપતા તેમનું વજન તો વધેલ પરંતુ તેમને કેન્સર અને લીવર ની બીમારી થયેલ એવા રીપોર્ટ મળેલ... તો આવા તેલો માં બનાવેલ ચટાકા ખાવાનું પણ બંધ કરવું જોઈએ... 
ચાર્વાક કહે છે “યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પિબેત” સુખે થી જીવો યાર.દેવું કરીને પણ ઘી પીવો.. આ હાંફતી જિંદગી માં ભગવાને શ્વાસ પણ ગણી ને આપ્યા છે, અત્યાર થી વાપરી નાખશો ને કોક દી શ્વાસ ની પણ નોટ બંધી આવી તો શું કરશો?? જો થોડું ઘણું પણ વજન વધ્યું છે તો ભૂખ્યા પેટે ચાલી ને ઉતારો યાદ રહે જમ્યા પછી ચાલવાથી વજન વધે છે. તેના થી ચરબી બળતી નથી.૬૪૦ મિલી પાણી ને ઉકાળી ૮૦મિલિ રહે ત્યાં સુધી બાળી નાખો તેમાં ૨૦ મિલી મધ ઉમેરી બે ચપટી સુંઠ નાખી પીવો...
રોજ પેટ સાફ રાખો ને આખો શિયાળો ઉકાળી ને આઠમો ભાગ બાળી નાખેલું પાણી જ પીવો ...
ને કસરત માં બેસ્ટ એટલે સૂર્ય નમસ્કાર... શરીર ની તાકાત મુજબ કરો... વજન ઘટે શરીર સુડોળ બને ને મેદ ઓગળે ઓગળે ને ઓગળે જ... ઈંટ નું બારીક ચૂર્ણ ને જવ નું ચૂર્ણ બનાવી નિતંબ જેવા વધુ ચરબી મય ભાગો ઉપર સહેજ તલ ના તેલ નો હાથ લગાવી રુંવાડા ની ઉલટી દિશા માં ઘસો બહેનો મેદ ચોક્કસ ઓગળશે...ઓવન,ફ્રીઝ,બારીક લોટ ના વપરાશ ઘટાડો અને જવ ની રોટલી અને ધાન્યો શેકી તેની વેજીટેબલ ખીચડી બનાવી ખાવ.ભૂખ્યા રહેવા કરતા પેટ ભરાઈ જાય પણ લુખ્ખાં હોય તેવા ધાન્યો ખાઈ વજન કમ કરો...પણ આડેધડ ઉપવાસ,જીમ અને ડાયેટ કરવાથી બકરું કાઢતા ઊંટ પેસી ના જાય તે જોજો... બસ આ શિયાળે બધી બાબતો માં કોક ના રવાડે ના ચઢતા... ને પેલું એક ટીપું ઓઈલ કુકિંગ ને તિલાંજલિ આપી દેજો બસ...

Ground Floor, Sonamahal Apartment, Champaner Society, Usmanpura, Ahmedabad

+91-9376818939

This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.